Back

કલોલના નગર શિલ્પી



કલોલના નગર શિલ્પી બાબુભાઈ મુળજીભાઈપટેલ કલોલ નગર ૬૭૦ વર્ષ જુનું છે. તેના સ્થાપક કલાજી રાઓલથી શરૂ થઈ આજ સુધીમાં ઘણા શાસકોએે કલોલનો રાજકીય કારભાર સંભાળ્યો છે. આ બધા શાસકો કલોલના વિકાસમાં ફાળો રહ્યો છે. સત્તરમી સદીના મધ્ય પછી કલોલમાં વડોદરાના રાજાનું ગાયકવાડી શાસન શરૂ થયુ. આ ગાયકવાડી શાસનમાં કલોલની પ્રજાને વધુ સારુ સુશાસન મળ્યું. વીસમી સદીના શરૂમાં સર સયાજી રાવ આવ્યા. તેમને તેમના રાજ્યમાં પ્રજાકીય શાસન અને પ્રાથમિક લોકશાહીની શરૂઆત કરી. તે વખતે કલોલમાં મામલતદાર કચેરી દ્વારા કલોલ શહેર અને તાલુકાનો વહીવટ થતો હતો. સન ૧૯૧૧માં તેમને કલોલ નગરપાલિકા અલગ બનાવી. ટાવર પાસે લાલ બીલ્ડીંગ બનાવી નગરનો કાર્યભાર શરૂ કર્યો. તે નગર અધિકારી દ્વારા કલોલનો શાસકીય વહીવટ થતો હતો. ૧૯૨૧માં ગાયકવાડ સરકાર દ્વારા પ્રજાકીય પ્રમુખોની નગરપાલિકામાં નિમણુકો કરવામાં આવી. સરકાર દ્વારા કલોલના અગ્રણીઓ એવા જીવણલાલ, ગોપાલદાસ વખારીયા,વાડીલાલ જગજીવનદાસ શાહ અને ઈશ્વરભાઈ મોહનભાઈ નાયકની નિમણુક ૧૯૨૧ થી ૧૯૪૭ દરમ્યાન થઈ. આઝાદી પછી લોકશાહી રીતે નગરપાલિકાની ચુંટણી થઈ પ્રથમ ચૂટાયેલા પ્રમુખ તરીકે ભગવાનદાસ મયાચંદ શેઠ ચૂટાયાથી શરૂ કરીને હાલના પ્રમુખ તરીકે તિમિરભાઇ જયસ્વાલ કાર્યભાર સંભાળે છે. આ બધા પ્રમુખોમાં ૧૯૬૦-૭૦ દાયકામાં રહેલા બાબુભાઈ મુળજીભાઈ પટેલે ઘણા વર્ષો સુધી નગરપાલિકાનો કાર્યભાર સંભાળ્યો. તેઓ બાહોશ નીડર અને દૂરંદેશી દ્રષ્ટિવાળા હતા. તેમના શાસન દરમ્યાન કલોલની પ્રજાને મળતી પ્રાથમિક સુખ સુવિધામાં વધારો થયો. પ્રથમ તેમને પાણીની મોટી ટાંકી બનાવી કલોલમાં ઘરે-ઘરે પાણી પહોચાડ્યું. તે સમયમાં ગંદકીના હિસાબે વર્ષોવર્ષ કોલેરાની મહામારી ફેલાતી હતી. લોકો કલોલ છોડી ભાગી જતા હતા. તેમને સરકારમાં આ અંગે અસરકારક રજુઆત કરી ભૂગર્ભ ગટર યોજના મંજુર કરાવી અને કલોલને રોગ અને ગંદકી મુક્ત ર્ક્યુ. આખા ઉત્તર ગુજરાતમાં સૌથી પ્રથમ ભૂગર્ભ ગટર યોજના કલોલમાં થઈ હતી. તેમને કલોલમાં મોટા તળાવ અને પાવઠી તળાવ વચ્ચે પાકી કાંસ બનાવી. કલોલમાં ટાઉનપ્લાનીગ સ્કીમ બનાવી. નવા રોડ નવા રહેઠાણ વિસ્તારો બનાવ્યા. તેમને કલોલમાં ગાંધીજી સરદારશ્રીના પ્રતિમા ટાઉનહોલ, મહિલામંડળનું મકાન બનાવ્યું. તેમને કલોલમાં ભવિષ્યમાં ટ્રાફીકની સમસ્યાને દુર રાખવા બસસ્ટેન્ડ માટે તળાવ ઉપર જગ્યા ફાળવી વર્ધમાનનગરમાં પ્લોટો પાડી વચ્ચે વિશાળ સરદાર બાગ બનાવ્યો. આ ઉપરાંત વખારીયા સ્કૂલ વિસ્તાર, ગાયત્રી મંદિર વિસ્તાર રેલ્વે પૂર્વમાં નવા રસ્તાને લીધે સોસાયટીઓ ઉભી થઈ. કલોલમાં પાકા રસ્તા અને ફુટપાથો બનાવી. તેમને ટીપીમાં હતી. તેમને કલોલમાં ટાઉનપ્લાનીંગ - ૨ પણ બનાવેલો જે દ્વારા હાલના પંચવટી વિસ્તારનો સમાવેશ થાય છે. હાલના હાઈવે રોડને કલોલ બહાર મુક્યો હતો. આ બધા કાર્યોમાં તેમની સાથે રહેલા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મફતલાલ ચતુરદાસ પટેલનો પણ કલોલના વિકાસમાં ફાળો રહ્યો. તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રણી રહ્યા. કલોલ તાલુકા કેળવણી મંડળમાં નગરપાલિકા દ્વારા અનુદાન આપી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ બનાવી. તેઓએ કન્યાઓ માટે નવજીવન મીલના અનુદાનથી અલગ કન્યાશાળા બનાવી. આ ઉપરાંત તેમને આઈસ ફેક્ટરી, પૂર્વ વિસ્તાર, ગાયનો ટેકરો, કસ્બા વિસ્તારમાં પણ પ્રાથમિક શાળાઓ બનાવી. તેઓ ઘણા વર્ષો સુધી પાંચહાટડી બજારના નરસિંહ શેઠના માઢમાં રહ્યા. તે વાસને હવે લોકો બાબુભાઈ મુળજીભાઈના વાસ તરીકે ઓળખે છે. કલોલના જુના વડીલો હજુપણ બાબુભાઈ મુળજીભાઈના સુશાસનને યાદ કરે છે. - નાગેશ ખમાર